નવી દિલ્લી: કાશ્મીરમાં માનવઅધિકાર હનનનો આરોપ લગાવતા પાકિસ્તાન દ્વારા બ્લેક ડેની ઉજવણી કર્યા બાદ ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, તે ભારતનાં કોઈ પણ ભાગમાં આતંકવાદને પ્રોત્સાહિત કરવાનું બંધ કરે.
વિદેશ મંત્રાયલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જમ્મૂ કશ્મીરનાં મુદ્દા પર પાકિસ્તાન અને POKમાં છેલ્લા દિવસોમાં કરવામાં આવેલી રેલી, કાર્યક્રમો અને નિવેદનબાજીને ભારતે જોઈ છે. ભારત સરકાર માને છે કે આ કાર્યક્રમોની પાછળ એ લોકોનો હાથ છે જેને યુનાઈટેડ નેશન્સે આતંકવાદી જાહેર કર્યા છે. આ એ જ લોકો છે જેમણે પહેલા પણ ઓસામા બિન લાદેન અને તાલિબાની નેતા મુલ્લા મંસૂરની હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું કે આ આતંકવાદી અને તેમની પ્રવૃતિઓને પાકિસ્તાન તરફથી જે સમર્થન મળી રહ્યું છે તેની ભારત નિંદા કરે છે. અને ફરી એકવાર પાકિસ્તાનને કહેવા માંગીએ છિએ કે તે ભારતનાં કોઈ પણ ભાગમાં આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવાનું બંધ કરે. તેમજ દેશની આતંરિક બાબતોમાં દખલગીરી ના કરે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરક્ષાબળોનાં જવાનો દ્વારા કશ્મીરમાં આતંકી બુરહાન વાનીને મારી નાખવામાં આવ્યો હતો. જે બાદ કશ્મીરમાં હિંસા ભડકી હતી અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેનાં વિરોધમાં પાકિસ્તાને બુધવારે બ્લેક ડે ઉજવ્યો હતો.