San Francisco : રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ.જયશંકર  'ટુ પ્લસ ટુ' મંત્રી સ્તરની મંત્રણામાં ભાગ લેવા અમેરિકાના પ્રવાસે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધિત કરતી વખતેચીનને કડક સંદેશ આપતા કહ્યું કે જો ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં. આ સાથે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બનવા માટે તૈયાર છે.


સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે યુ.એસ.ને સૂક્ષ્મ સંદેશ પણ આપ્યો હતો કે ભારત "ઝીરો-સમ ગેમ" મુત્સદ્દીગીરીમાં વિશ્વાસ કરતું નથી અને એક દેશ સાથેના તેના સંબંધો બીજા દેશની કિંમતે ન હોવા જોઈએ. 'ઝીરો-સમ ગેમ' એવી પરિસ્થિતિ કહેવાય છે જેમાં એક બાજુનું નુકસાન બીજી બાજુના ફાયદાની બરાબર થાય છે. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ભારત અને યુએસ વચ્ચે 'ટુ પ્લસ ટુ' મંત્રી સ્તરની મંત્રણામાં ભાગ લેવા રક્ષા મંત્રી હવાઈ અને પછી સાન ફ્રાન્સિસ્કો ગયા હતા. 


રાજનાથ સિંહે ગુરુવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા તેમના સન્માનમાં આયોજિત એક સમારોહને સંબોધતા ચીન સાથેની સરહદ પર ભારતીય સૈનિકો દ્વારા બતાવેલ બહાદુરીનો ઉલ્લેખ કર્યો. રક્ષા મંત્રીએ કહ્યું, 'હું ખુલ્લેઆમ કહી શકતો નથી કે ભારતીય સૈનિકોએ  શું કર્યું અને અમે સરકારે  શું નિર્ણય લીધો. પરંતુ હું નિશ્ચિતપણે કહી શકું છું કે ચીનને સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો કોઈ ભારતને  છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં. 


ભારતીય સમુદાયને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભૂતકાળમાં, જો વિશ્વનો કોઈપણ દેશ વિકાસ અને સમૃદ્ધિ મેળવવા માંગતો હતો, તો તેઓ હંમેશા ભારત સાથે જીવંત  વેપાર સ્થાપિત કરવાનું વિચારતા હતા. "આપણે 2047માં આપણો  100મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ ત્યાં સુધીમાં ભારતમાં સમાન ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ," તેમણે કહ્યું.