પેલેસ્ટાઈનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂતનું અવસાન થયું છે. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત રામલ્લાહ સ્થિત દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂતના નિધન પર ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, પેલેસ્ટાઈનના રામલ્લાહમાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રવિવારે દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્યના મૃત્યુના કારણો અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.



પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પેસેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો છે. અમે ભારતીય વિદેશ મંત્રાલયનો સત્તાવાર રીતે સંપર્ક કરી રહ્યા છીએ જેથી મૃતક રાજદૂતના પાર્થિવ શરીરને તેમના દેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. 


પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે  મુકુલ આર્યને એક પ્રતિભાશાળી અધિકારી ગણાવ્યા હતા.  પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ તથા વડાપ્રધાન મુહમ્મદ શતયેહે, સ્વાસ્થ્ય તથા ફોરેન્સિક હેલ્થ મંત્રાલય ઉપરાંત પોલીસ તથા જાહેર બાબતના અધિકારીઓએ તાત્કાલિક રામલ્લાહમાં ભારતીય રાજદૂતના નિવાસ સ્થાને જવા આદેશ કર્યો છે. પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.