Indian Economy: ભારત દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રે કેટલાય મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા છે અને હાલમાં તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ભારતને વૈશ્વિક અર્થતંત્રનું સુવર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. તાજેતરમાં S&P ગ્લૉબલ માર્કેટે દાવો કર્યો છે કે અર્થતંત્રની દ્રષ્ટિએ ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.


ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, S&P ગ્લૉબલ માર્કેટનો અંદાજ છે કે 2030 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે અને તે જાપાનને પાછળ છોડીને એશિયા ક્ષેત્રની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે.


એકદમ ઝડપથી આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યસ્થા -
S&P ગ્લૉબલ માર્કેટે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2021 અને 2022માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ઘણી મજબૂત રહી છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતનું ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ (GDP) 6.2 ટકા અને 6.3 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક સ્તરે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની યાદીમાં આવે છે. વળી, એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી 7.8 ટકા હતો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે. આવી સ્થિતિમાં તેની અસર હવે અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે.


જર્મનીને પણ પછાડી દેશે ભારત - 
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જાપાન ઉપરાંત ભારત વર્ષ 2030 સુધીમાં જર્મનીને પણ પાછળ છોડી દેશે. વર્તમાનની વાત કરીએ તો વર્ષ 2022માં ભારતનો જીડીપી 3.5 ટ્રિલિયન ડૉલર છે જે વર્ષ 2030 સુધીમાં વધીને 7.3 ટ્રિલિયન ડૉલર થઈ જશે. આ રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી માટે વધતી જતી સ્થાનિક માંગને જવાબદાર ગણવામાં આવી છે.


જો આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની વાત કરીએ તો તેની જીડીપી 25.5 ટ્રિલિયન ડૉલર છે. જ્યારે ચીન 18 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જ્યારે જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થા 4.2 અને 4 ટ્રિલિયન ડૉલર છે. નોંધનીય છે કે S&P ગ્લૉબલ માર્કેટ સિવાય અન્ય કેટલીય વૈશ્વિક એજન્સીઓએ પણ આવા દાવા કર્યા છે.