Cambodia Cyber Crime: ભારતીય દૂતાવાસે કંબોડિયામાં ફસાયેલા 14 ભારતીયોને મુક્ત કર્યા છે. આ લોકો સાયબર ક્રાઈમના કેસમાં ફસાયા હતા. કંબોડિયામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ખોટા આરોપમાં ફસાયેલા 650 ભારતીયોની મુક્તિ માટે કંબોડિયા પ્રશાસનની મદદ લેવામાં આવી હતી. જેમાંથી 14 ભારતીયોને તાજેતરમાં જ મુક્ત કરવામાં આવ્યા હતા.


એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કંબોડિયન પક્ષ દ્વારા તેની સંભાળ લેવામાં આવી રહી છે. દૂતાવાસ તેમના વહેલા સ્વદેશ પરત લાવવા માટે કામ કરી રહ્યું છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.”


શું છે મામલો?


વાસ્તવમાં, સેંકડો ભારતીયોને નોકરીના નામે સાયબર અપરાધો કરવાની લાલચ આપવામાં આવી રહી છે. તેઓ પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ગૃહ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીને મળેલા રિપોર્ટમાં આ સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. જે 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે. હાલમાં આ લોકોને એક NGOની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત ફરે તેવી અપેક્ષા છે.






લોકોને કંબોડિયા મોકલતી ગેંગ ડિસેમ્બરમાં પકડાઈ હતી


ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પોલીસે ઓડિશાના રાઉરકેલામાંથી એક સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી. આ ગુનેગારો લોકોને નોકરીના નામે કંબોડિયા મોકલતા હતા. આ વર્ષે, ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરતી ગેંગથી સાવધ રહેવા અપીલ કરી હતી.