નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકાર અને સૈન્યએ ભલે ભારતની કાર્યવાહીમાં નુકસાન થયાના અહેવાલને ફગાવી દીધા હોય પરંતુ જૈશ-એ-મોહમ્મદે જાતે ભારતીય એરસ્ટ્રાઇકમાં મોટા નુકસાનનો સ્વીકાર કર્યો હતો. જૈશના વડા મસૂદ અઝહરના નાના ભાઇ મૌલાના અમ્મારે એક ઓડિયો ક્લિપમાં સ્વીકાર કરી રહ્યો છે કે ભારતના ફાઇટર જેટે ખૈબરપખ્તૂનવા પ્રાંતના બાલાકોટમાં મોટી તબાહી મચાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ઓડિયોમાં મૌલાના અમ્માર મર્કાઝ (ધાર્મિક શિક્ષણ કેન્દ્ર) પર બોમ્બ ફેંકાયાની વાત કરી રહ્યો છે. તે સિવાય અમ્મારે ભારતીય ફાઇટર જેટ દ્ધારા તે સ્થળો પર બોમ્બ ફેંકાયાની વાતથી ખૂબ નારાજ પણ જોવા મળી રહ્યો હતો.મૌલાના અમ્માર કહી રહ્યો છે કે આજે જ્યારે દુશ્મને પર્વતો પાર કરીને આપણી જમીન પર ઘૂસીને ઇસ્લામિક સેન્ટર પર હુમલો કર્યો છે. દુશ્મને જાતે જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. દુશ્મને યુદ્ધની શરૂઆત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકના એક દિવસ બાદ પેશાવરમાં એક જનસભામાં મૌલાના અમ્મારે આ વાત કરી હતી.
મૌલાના અમ્મારે કહ્યું કે, ભારતના ફાઇટર જેટ્સે કોઇ એજન્સીના સેફ હાઉસને નિશાન નથી બનાવ્યું. કોઇ એજન્સીના હેડક્વાર્ટર પર બોમ્બ નથી ફેંક્યા. તેમણે અમારા કેન્દ્રને નિશાન બનાવ્યું છે. જ્યાં બાળકોને જેહાદ અંગે શીખવવામાં આવી રહ્યું હતું જેથી તેઓ કાશ્મીરના મુસલમાનોની મદદ કરી શકે. આ બાળકો કાશ્મીરના સંકટને પોતાનો સમજવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સિવાય આ કોઇ એજન્સીનો જેહાદ નથી કે તે પોતાની સરહદમાંથી બહાર આવે અને અમારા પર હુમલો કરે. ભારત ઇચ્છે છે કે અમે તેના વિરુદ્ધ જેહાદ શરૂ કરીએ.
નોંધનીય છે કે પાકિસ્તાની અને પશ્વિમી મીડિયામાં ભારત દ્ધારા આતંકી સંગઠનના અડ્ડાઓ પર કાર્યવાહીને લઇને સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ મસૂદ અઝહરના નાના ભાઇએ સ્વીકાર્યું હતું કે, આતંકી અડ્ડાઓને આ એર સ્ટ્રાઇકથી મોટું નુકસાન પહોંચ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાબા ટોપ નામની જગ્યા પર મોટી સંખ્યામાં આતંકીઓ હતા જેને એર સ્ટ્રાઇક કરીને ભારતે ખત્મ કરી દીધા. ફર્સ્ટ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોએ એ વાતની પુષ્ટી કરી હતી કે ઍમ્બ્યુલન્સમાં 30થી વધુ મૃતદેહો લઇ જવામાં આવ્યા હતા. એક પૂર્વ આઇએસઆઇ ઓફિસર કર્નલ સલીમ પણ આ હુમલામાં માર્યા ગયાના અહેવાલ છે.