દુષ્કર્મના આરોપમાં 2017થી રોહતક અને સુનરિયા જેલમાં બંધ રહેલા ડેરા સચ્ચા સોદાના (Dera Sacha Sauda) પ્રમુખ રામ રહીમને (Ram Rahim) કોર્ટે 3 અઠવાડિયાની ફર્લો પર જેલમાંથી મુક્ત કર્યો હતો. રામ રહિમને ફર્લો મળવાના મામલાને પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, જ્યારે રામ રહીમને સજા અપાઈ હતી ત્યારે પણ પંચકૂલામાં ભારે હિંસા થઈ હતી. એવામાં હવે જ્યારે હરિયાણા સરકારે રામ રહીમને ફર્લો આપ્યા છે તે નિર્ણય યોગ્ય નથી. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભિર કેસમાં દોષિત હોવાથી તેને ફર્લો ના આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે થયેલી સુનાવણીમાં હરિયાણા સરકારના વકિલે રામ રહીમને અપાયેલ ફર્લોના પક્ષમાં કોર્ટ સામે દલીલો કરી હતી. તેમણે ફર્લોને નિયમ આધારીત ગણાવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે હરિયાણા સરકારને નોટીસ પાઠવીને જવાબ આપવા અને બધા દસ્તાવેજો રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો. હવે આજે આ મામલે કોર્ટમાં આગળની સુનાવણી થશે.
રામ રહીમને મળી ઝેડ પ્લસ સુરક્ષાઃ
ફર્લોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની જેલ મુક્તિ દરમ્યાન ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ છે. અધિકારીઓએ આ જાણકારી મંગળવારે આપી હતી. રામ રહીમને 7 ફેબ્રુઆરીએ જેલમાંથી છોડવામાં આવ્યો હતો. હાલ રામ રહીમ દિલ્લી પાસે આવેલા ગુરુગ્રામના આશ્રમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. હરિયાણા પોલીસના એક સીનિયર અધિકારી તરફથી રોહતક રેન્જના કમિશનરને મોકલાયેલા અધિકારીક સંવાદમાં કહેવાયું છે કે, જો પૈરોલ પર છોડવામાં આવે તો, નિયમ અનુસાર ઝેડ પ્લસ સુરક્ષા કે એની સમકક્ષ આવતી સુરક્ષા આપી શકાય છે. કારણ કે આ કેદીને ભારત અને વિદેશોમાં કટ્ટરપંથી અને શીખ ચરમપંથીઓનો ખતરો છે.