નવી દિલ્હીઃ કોરોન મહામારીને કારણએ સમગ્ર દેશમાં માર્ચથી જ તમામ સિનેમા હોલ બંધ છે. લોકડાઉન હટાવ્યા બાદ એક પછી એક એમ 4 અનલોક આવી ગયા છે પરંતુ હજુ સુધી સિનેમા હોલ કે થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં ટૂંકમાં જ સિનેમા હોલ ખુલવાના છે. મીડિયા અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં સિનેમા હોલ ફરીથી ખુલી જશે.


જોકે આ અહેવાલને લઈને હવે ખુદ મોદી સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજને લઈને એક ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક પર ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. પીઆઈબીના ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલય તરફથી સિનેમા હોલ ફરીથી ખોલવાને લઈને હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.