Indian Navy Help Irani Ship:  ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે. ક્યારેક ચાંચિયાઓને કારણે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં કોઈપણ પરિસ્થિતિમાં ટીમ માહિતી મળતાં જ જરૂરી મદદ પૂરી પાડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં ભારતીય નૌકાદળે ઇમરજન્સી કોલનો જવાબ આપતા 20 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો હતો.






નૌકાદળે શનિવારે (4 મે, 2024) એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તાત્કાલિક ઇમરજન્સી કોલનો જવાબ આપતા અરબી સમુદ્રમાં ચાંચિયાગીરીને રોકવા માટે તૈનાત INS સુમેધા મિશનએ ઈરાની જહાજને તબીબી સહાય પૂરી પાડી હતી. આ જહાજમાં 20 પાકિસ્તાની ક્રૂ સવાર હતા.






30 એપ્રિલના રોજ આપવામાં આવી હતી સહાય


નેવીએ કહ્યું કે પેટ્રોલિંગ શિપ INS સુમેધાએ 30 એપ્રિલે આ મદદ પૂરી પાડી હતી. તે સમયે સૂચના મળ્યાના પ્રારંભિક કલાકોમાં એફવી અલ રહમાનીને રોકવામાં આવ્યુ. અમારી એક મેડિકલ નિષ્ણાંતોની ટીમ ઇરાની જહાજ પર ગઇ હતી અને ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો હતો. એરફોર્સે એક નિવેદનમાં કહ્યું કે અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજો આ ક્ષેત્રમાં કાર્યરત નાવિકોની સુરક્ષા અને સહાયતા પ્રત્યે તેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.


28 માર્ચે પણ મદદ પૂરી પાડવામાં આવી હતી


નોંધનીય છે કે માર્ચમાં ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક સશસ્ત્ર ચાંચિયાઓએ અપહરણ કરેલા ઈરાની ફિશિંગ જહાજના 23 સભ્યોના ક્રૂને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. અલ-કંબર 786 નામના જહાજને 28 માર્ચે યમનના સોકોટ્રાના દક્ષિણપશ્ચિમમાં અરબી સમુદ્રમાં નવ ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. આ પછી INS સુમેધા અને INS ત્રિશુલે 12 કલાકથી વધુ સમય સુધી ઓપરેશન ચલાવ્યું અને ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.