નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉનને 17 મે સુધી ફરી લંબાવવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ રેલવે મંત્રાલયે પણ પેસેન્જર ટ્રેનોનું સંચાલન 17 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


રેલવે મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ 17 મે સુધી તમામ પેસેન્જર ટ્રેનોની સુવિધા રદ કરવામાં આવી છે. જો કે, શ્રમિકો, તીર્થયાત્રીઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્થળે ફસાયેલા લોકોની અવર જવર માટે અલગ અલગ સ્થળેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.” રેલ મંત્રાલયે કહ્યું કે, પ્રીમિયમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગરે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ 17 મે સુધી રદ કરવામાં આવી છે.

બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર આગામી આદેસ સુધી બંધ રહેશે, આગામી આદેશ સુધી ઈ-ટિકિટ સહિત ટ્રેન ટિકિટોનું કોઈ એડવાન્સ રિઝર્વેશન નથી, જો કે, ઓનલાઈન રદ કરવાની સુવિધા કાર્યરત છે.

દેશના વિવિધ સ્થળોએ આવશ્યક સામાન પહોંચાડવા માટે પાર્સલ ટ્રોનો અને માલગાડી અગાઉની જેમ લોકડાઉન દરમિયાન પણ ચાલુ રહેશે.