બેંગલુરુ: કર્ણાટકના IAS ઑફિસર મોહમ્મદ મોહસિને જમાતીઓની પ્રશંસા કરવા પર રાજ્ય સરકારે કારણ દર્શાવો નોટિસ મોકલાવી છે. મોહસિને 27 એપ્રિલે કરેલા ટ્વિટમાં જમાતીઓને હીરો ગણાવ્યા હતા અને મીડિયાની આલોચના કરી હતી. તેના બાદ ટ્વીટને ગંભીરતાથી લેતાં કર્ણાટક સરકારે નોટિસ પાઠવી છે અને મોહસિન પાસેથી પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે.


અધિકારીએ લખ્યું હતું કે, “માત્ર દિલ્હીમાં 300થી વધુ તબલીગી હીરોએ દેશની સેવા માટે પોતાનું પ્લાઝ્મા આપ્યું છે. પરંતુ ગોદી મીડિયા આ હીરોની માનવતા કાર્યને નહીં બતાવે. ”

વાસ્તવમાં, દેશમાં લોકડાઉન લાગુ કર્યા બાદ 31 માર્ચના રોજ દિલ્લીની નિજામુદ્દીન સ્થિતિ મરકઝમાં તબલીગી જમાતના ઈવેન્ટમાં સામેલ થયેલા અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેના બાદ કોરોના દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો હતો. દેશભરની રાજ્ય સરકારોએ જમાતીઓને ટ્રેસ કરીને તેમને ક્વોરન્ટાઈન કર્યા હતા.

મોહમ્મદ મોહસિન અગાઉ પણ લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેમણે ઓડિશામાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના બાદ ચૂંટણી આયોગે મોહસિનને કથિત રીતે મોદીના હેલિકૉપ્ટરને સંભલપુરમાં તપાસ કરવાના મામેલ સસ્પેન્ડ કર્યા હતા. પીએમ મોદી ત્યાં એક ચૂંટણી જનસભાને સંબોધન કરવા ગયા હતા.