નવી દિલ્હી: ભારતીય રેલવે 7 ઓગસ્ટથી પ્રથમ ‘કિસાન રેલ’શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે વિભાગે ગુરુવારે જણાવ્યું કે, આ પ્રથમ રેલવે મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે દોડશે. આ સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર એક વીડિયો લિંકના માધ્યમથી કિસાન રેલને લીલી ઝંડી આપશે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજુ કરેલા બજેટમાં જલ્દી ખરાબ થઈ જતા ફળો અને શાકભાજી જેવા ઉત્પાદનોના માલવહન માટે કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેને પીપીપી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સાથે ખેડૂત પેદાશોના પરિવહનની વ્યવસ્થા હશે.

7 ઓગસ્ટે 11 વાગ્યે પ્રથમ કિસાન રેલ દેવલાલીથી દાનપુર વચ્ચે શરૂ થશે. કિસાન રેલ લગભગ 32 કલાકમાં આ બંને સ્ટેશન વચ્ચે લગભગ 1519 કિમીની મુસાફરી કરશે. આ ટ્રેન સપ્તાહિક ધોરણે ચાલશે.


કિસાન રેલમાં ફ્રોજેન કન્ટેનર હશે જેમાં પેરિશેબલ ઉત્પાદન બજાર સુધી મોકલવામાં આવશે. તેનાથી જલ્દી ખરાબ થતા કૃષિ ઉત્પાદનો ઓછા સમયમાં બજાર સુધી પહોંચાડી શકાશે.

આ રેલવેથી સીધો ફાયદો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને ફાયદો મળવાનો છે. કિસાન રેલવે દેવલાલી- નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સર રોકાશે.

એસીની સુવિધા સાથે ફળ અને શાકભાજી લઈ જવાની સુવિધાનો પ્રસ્તાવ પહેલીવાર 2009-10ના બજેટમાં તે સમયે રેલ મંત્રી રહેલા મમતા બેનર્જીએ કર્યો હતો, પરંતુ તેની શરુઆત નહોતી થઈ શકી.