નવી દિલ્હીઃ એક તરફ મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ ભારતીય રેલવે છેલ્લા 10 વર્ષોમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. કેગના એક રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેની કમાણી છેલ્લા 10 વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ચૂકી છે. રેલવેનો પરિચાલન અનુપાત નાણાકીય વર્ષ 2017-18માં 98.44 ટકા સુધી પહોંચી ચૂક્યુ છે.


જો કેગના આંકડાને સરળ ભાષામાં સમજીએ તો રેલવે 98 રૂપિયા 44 પૈસા લગાવીને ફક્ત 100 રૂપિયાની કમાણી કરી રહી છે. એટલે કે રેલવેને ફક્ત એક રૂપિયો 56 પૈસા નફો થઇ રહ્યો છે જે બિઝનેસની રીતે સૌથી ખરાબ સ્થિતિ છે. જેનો સીધો અર્થ એ થાય છે કે પોતાના તમામ સંસાધનોથી રેલવે 2 ટકા પૈસા પણ કમાણી કરી રહી નથી. કેગની રિપોર્ટ અનુસાર, નુકસાનનું મુખ્ય કારણ ઉચ્ચ વૃદ્ધિદર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017-18ના આર્થિક વર્ષમાં 7.63 ટકા સંચાલન ખર્ચની તુલનામાં ઉચ્ચ વૃદ્ધિ દર 10.29 ટકા હતો.

કેગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2008-09માં રેલવેનો પરિચાલન અનુપાત 90,48 ટકા 2009-10માં 95.28 ટકા, 2010-11માં 94.59 ટકા, 2011-12માં 94.85 ટકા, 2012-13માં 90.19 ટકા 2013-14માં 93.6 ટકા 2017-18માં 98.44 ટકા પહોંચી ચૂક્યો છે.