નવી દિલ્હી : લોકડાઉનની વચ્ચે રેલવે મંત્રાલયે મંગળવારથી કેટલાક રૂટ પર 15 ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર કરી શકાશે. પરંતુ સાંજે ચાર વાગ્યાથી વેબસાઈટ શરુ થતાની સાથે જ ઠપ થઈ ગઈ હતી. તેના બાદ ફરી 6 વાગ્યે શરુ કરવામાં આવી છે પરંતુ ટેકનિકલી ખામીના કારણે ક્યાંક ટિકિટ બુક થાય છે તો ક્યાંક વેબસાઈટ ન ખુલતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




વેબસાઈટ ન ખુલતા રેલવે મંત્રાલયે ખેદ વ્યક્ત કર્યો હતો. રેલવેએ ટ્વીટ કરીને કહ્યું હતું  કે, “વિશેષ ટ્રેનો સંબંધિત ડેટા આઈઆરસીટીસી વેબસાઈટમાં ફીડ કરવામાં આવી રહ્યાં છે. ટ્રેન ટિકિટ બુકિંગ થોડીવારમાં ઉપલબ્ધ થશે. મહેરબાની કરી રાહ જુઓ, અસુવિધા માટે ખેદ છે. ” બાદમાં રેલવેએ જણાવ્યું છે કે, 6 વાગ્યાથી  બુકિંગ શરૂ થઈ જશે.


રેલવેએ 15 મેથી તબક્કાવાર રીતે પ્રવાસી ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં 15 ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને 30 ટ્રેન) ચલાવવાની યોજના છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જરૂરિયાતમંદ લોકો જ પ્રવાસ કરી શકશે. રેલવે અનુસાર, માત્ર કન્ફર્મ ટિકિટ જ IRCTC બુક કરશે અને માત્ર 7 દિવસ એડવાન્સ યાત્રા માટે જ બુક શઈ શકશે.

આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.