નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા આતંક વચ્ચે સરકાર તેની સામે લડવા કડક પગલા લઈ રહી છે અને દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સરકારે ટ્રેનોના સંચાલન પર રોક લગાવી દીધી છે. આ અકલ્પનીય સ્થિતિ સામે લડવા માટે દેશભરમાં ટ્રેનોના પૈડાં એક સાથે થંભાવી દેવામાં આવ્યું હોય તેમ પ્રથમ વખત બન્યું છે.

આ સ્થિતિમાં રેલવેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રેલેવ તંત્ર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વર્તમાન રેલબંધી દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નાણાંકીય નુકસાન નહીં થવા દેવામાં આવે. ભારતીય રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ વેલ્યૂની 70 ટકા રકમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપવામાં આવશે. રેલવેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આર્થિક નુકસાનથી બચાવી શકાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે.

આ પહેલા રેલવેએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા લોકોને અપીલ કરી હતી. રેલવેએ ટ્વિટમાં લખ્યું કે, અમે યુદ્ધ દરમિયાન પણ નહોતા રોકાયા તો આ સમયે સ્થિતિ કેટલી ગંભીર છે તેને સમજો અને મહેરબાની કરીને ઘરમાં જ રહો.