નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરી કહ્યુ હતું કે, સરકારના આર્થિક સલાહકારોએ આખરે સ્વીકાર કરી રહ્યા છે કે આપણે લાંબા સમય સુધી શું સાવધાની રાખી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ગંભીર છે. અર્થવ્યવસ્થાના મુદ્દા પર ભાજપ સરકાર નિષ્ફળતા જોઇ રહી છે.કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકારને પૂછ્યુ હતું કે, ભાજપ સરકારને હવે દેશને સ્પષ્ટ જાણકારી આપવી જોઇએ કે અર્થવ્યવસ્થાની દુર્દશા આવી કેમ થઇ રહી છે.


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વ્યાપાર તૂટી રહ્યા છે, ઉદ્યોગ ડગમગી રહ્યા છે, રૂપિયો કમજોર પડી રહ્યો છે. નોકરીઓ ખત્મ થઇ રહી છે. પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, આનાથી થઇ રહેલા નુકસાનની ભરપાઇ કોણ કરશે? નોંધનીય છે કે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યુ કે, કોઇએ પણ છેલ્લા 70 વર્ષમાં આ પ્રકારની સ્થિતિનો સામનો નથી કર્યો. જ્યારે આખી આર્થિક સિસ્ટમ જોખમમાં છે. રાજીવ કુમારના મતે નોટબંધી અને જીએસટી બાદ રોકડનું સંકટ વધ્યું છે. રાજીવ કુમારના મતે નોટબંધી, જીએસટી અને આઇબીસી બાદ સ્થિતિ બદલાઇ ગઇ છે. અગાઉ લગભગ 35 ટકા કેશ ઉપલબ્ધ રહેતી હતી તે હવે ઘણી ઓછી થઇ ગઇ છે. આ તમામ કારણોથી સ્થિતિ ખૂબ જટિલ થઇ ગઇ છે.