નવી દિલ્હીઃ જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ મોદી પ્રથમવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મોદી કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. દરમિયાન મોદીએ લોકોને શાંતિ જાળવવા કહ્યુ હતું અને રાષ્ટ્રગીત માટે ઉભા થવાની અપીલ કરી હતી.


ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સંબોધન અગાઉ એક સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. આ સ્મારક એર ઇન્ડિયાના બે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું પણ નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતના ફ્રાન્સ સાથે સંબંધો નવા નથી. પણ ખૂબ જૂના છે. સારી મિત્રતાનો અર્થ સુખ અને દુખમાં એકબીજાનો સાથ આપવાનો છે. મોદીએ ફ્રાન્સની ફૂટબોલ ટીમની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ફ્રાન્સની ટીમના સમર્થક અહી છે તેનાથી વધારે ભારતમાં છે અને વર્લ્ડકપમાં એ જોવા મળ્યુ હતું.





તેમણે વધુમાં કહ્યું કે હાલમાં પેરિસમાં તમામ લોકો રામની ભક્તિમાં ડૂબ્યા છે. ચાર વર્ષ અગાઉ ફ્રાન્સ આવ્યો હતો તો એક વચન આપ્યુ હતું. હું પોતાના વચનો યાદ કરાવનાર નેતા છું નહી તો નેતા વચનો ભૂલી જાય છે. તેમણે કહ્યું કે, નવા ભારતના નિર્માણ માટે જનાદેશ મળ્યો છે અને એકવાર ફરી દેશની સેવાની તક મળી છે.





તેમણે કહ્યું કે એ પણ સત્ય છે કે છેલ્લા પાંચ વર્ષમાં અમે દેશની કેટલીક કુરીતિઓને રેડ કાર્ડ આપ્યું છે. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ, પરિવારવાદ, જનતાના પૈસાની લૂંટ, આતંકવાદ પર જે રીતે લગામ કસવામાં આવી રહી છે એવું ક્યારેય થયું નથી.અમારી સરકારે ટ્રિપલ તલાક ખત્મ કર્યો.


 દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના અનેક કામ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે પાણી બચાવવા માટે અલગથી મંત્રાલય બનાવ્યું છે. આપણુ ચંદ્રયાન સપ્ટેમ્બરમાં ચંદ્ર પર ઉતરશે. અમે ચાઇલ્ડ પ્રોટેક્શન, હેલ્થના ક્ષેત્રમાં મોટા પગલા ભર્યા છે.