નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીની સ્થિતિને સુધારવા માટે કેન્દ્ર સરકાર ટેક્સ સુધારાઓની જાહેરાત કરી છે, કેશ ફ્લોને પ્રોત્સાહન આપવા માટે સરકારે બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી આપવામાં આવતું 70 હજાર કરોડ રૂપિયાના પેકેજથી આર્થિક વ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રૂપિયાનો કેશ ફ્લો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણને પ્રોત્સાહન આપવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જ પાછા લેવાની જાહેરાત કરી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે એફપીઆઇ પર પણ વધારાનો સરચાર્જ પાછો લેવામાં આવશે.


બજેટ અગાઉ એફપીઆઇ પર 15 ટકાનો સરચાર્જ લાગતો હતો જેને બજેટમાં 25 ટકા કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભંગને તેમણે ક્રિમિનલ કેસ ન બનાવવાની વાત કરી છે. તેના પર ફક્ત દંડ લાગશે. સ્ટાર્ટઅપ્સ પર લાગનાર એન્જલ ટેક્સ પણ પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.





આ સાથે બેન્કોને 70 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. સરકાર તરફથી આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, જીએસટીમાં જે ખામીઓ છે તેને દૂર કરવામાં આવશે. ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. સંપત્તિ બનાવનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ. કંપનીઓના વિલય અને અધિગ્રહણની મંજૂરી ઝડપથી કરવામાં આવી રહી છે. ટેક્સ ઉત્પીડન મામલા પર રોક લાગશે. સાથે નાણામંત્રીએ કહ્યું કે, બેન્કોએ રેટ કટનો લાભ હવે ગ્રાહકો સુધી પહોંચાડવાની સહમતિ વ્યક્ત કરી છે. બેન્કો પાસેથી લોન લેનારા ગ્રાહકોને રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે, લોન ક્લોઝરના 15 દિવસોની અંદર સિક્યોરિટી માટે જમા દસ્તાવેજો ગ્રાહકોને પાછા કરવા પડળે.

ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદનારા બીએસ-4 એન્જિન વ્હીકલ્સને ચલાવવામાં કોઇ મુશ્કેલી નહી આવે. રજિસ્ટ્રેશન ફીમાં વધારાને જૂન 2020 સુધી ટાળી દેવામા આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર સરકારના વલણના કારણે પેટ્રોલ અને ડિઝલની ગાડીઓ બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને જેને કારણે વેચાણમાં ઘટાડો થયાની ફરિયાદો આવી રહી હતી.