મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો ભારતમાં આવતા હતા ત્યારે આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. હવે જ્યારે લોકો ભારતમાં આવે છે ત્યારે તેઓ આપણી ફિનટેક ડાયવર્સિટીને જોઈને આશ્ચર્યચકિત થાય છે. તેમણે એમ પણ કહ્યું કે આજે લગભગ 18 વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય પાસે આધાર કાર્ડ છે. પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુંબઈ પછી પીએમ પાલઘર જશે જ્યાં તેઓ લગભગ 76,000 કરોડ રૂપિયાના વધાવન પોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.


મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં PM મોદીએ શુક્રવારે કહ્યું કે વિદેશથી પણ મોટી સંખ્યામાં મહેમાનો અહીં આવ્યા છે. એક સમય હતો જ્યારે લોકો ભારતમાં આવતા હતા, ત્યારે તેઓ આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને દંગ રહી જતા હતા. હવે જ્યારે લોકો ભારતમાં આવે છે ત્યારે તેઓને આપણી ફિનટેકની વિવિધતા જોઈને આશ્ચર્ય થાય છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં 31 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આપણા ફિનટેક સ્ટાર્ટઅપ્સ 10 વર્ષમાં 500 ટકા વધ્યા છે. સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને ઝીરો બેલેન્સ જન ધન બેન્ક ખાતાઓએ ભારતમાં કમાલ કરી દીધો છે.






દેશમાં હવે 94 કરોડ બ્રોડબેન્ડ યુઝર્સ છેઃ પીએમ મોદી


દેશની પ્રગતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને લગભગ 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે તેની ડિજિટલ ઓળખ એટલે કે આધાર કાર્ડ ન હોય. તેમણે વધુમાં કહ્યું, “આજે 53 કરોડથી વધુ લોકોના જન ધન બેન્ક ખાતા છે. એટલે કે, 10 વર્ષમાં અમે સમગ્ર યુરોપિયન યુનિયન જેટલી વસ્તીને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડી દીધી છે.”


યુપીઆઈની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે જન ધન, આધાર અને મોબાઈલની આ ત્રિપુટીએ બીજા પરિવર્તનને વેગ આપ્યો છે. ક્યારેક લોકો કહેતા હતા કે Cash is King , આજે દુનિયાના લગભગ અડધા real time digital transaction ભારતમાં થાય છે. આજે, ભારતનું UPI સમગ્ર વિશ્વમાં ફિનટેકનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.


આધુનિક રીતે બનશે વધાવન પોર્ટ


આ પહેલા ગઈકાલે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે PM મોદી શુક્રવારે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2024ને સંબોધિત કરશે. આ વિશેષ સત્રનું આયોજન ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં 800 વક્તા 350 થી વધુ સત્રોને સંબોધશે.


આ પછી પીએમ મોદી બપોરે 1.30 વાગ્યે પાલઘરના સિડકો ગ્રાઉન્ડમાં વિકાસ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં વધાવન પોર્ટનો શિલાન્યાસ પણ સામેલ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 76,000 કરોડ રૂપિયા છે. પીએમઓએ જણાવ્યું હતું કે વધાવન પોર્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરીય દરિયાઈ પ્રવેશદ્વાર બનાવવાનો છે, જે દેશના વેપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.