મુંબઈઃ માયાનગરી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં ભારતની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ લગભગ બની જવા આવી છે. આ હોસ્પિટલમાં 1008 બેડ હશે અને તેને બનાવવામાં આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી આ ઓથોરિટીની છે.


આ હોસ્પિટલ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં એક ખાલી પડેલા મેદાનમાં બનાવવામાં આવી રહી છે. મુંબઈના મેટ્રોપોલિટન કમિશ્નર આર.એ.રાજીવે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, હોસ્પિટલમાં જેમની હાલત વધારે ગંભીર નહીં હોય તેવા કોરોના દર્દીને રાખવામાં આવશે. હોસ્પિટલમાં એક રિસેપ્સન એરિયા હશે, જ્યાં નવા આવનારા દર્દીની તપાસ થશે. 500 બેડ જે દર્દીને ઓક્સીજનની જરૂર નહીં હોય તેમના માટે હશે અને બાકીના બેડ ઓક્સીજનનની જરૂરિયાતવાળા દર્દી માટે હશે.

હોસ્પિટલમાં દર્દીનો ટેસ્ટ કરવા માટે લેબ પણ હશે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફના રહેવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અનેક ચેન્જ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્વાસ્થ્ય કર્મીઓ પીપીઈ કિટ પહેરી શકે છે. હોસ્પિટલમાં જમવાની સુવિધા માટે નજીકની રેસ્ટોરન્ટનું કિચન લેવામાં આવ્યું છે.

જે ઝડપથી હોસ્પિટલ બની રહી છે તે કોઈ રેકોર્ડ ઓછી નથી. કમિશ્નર રાજીવના જણાવ્યા મુજબ, સરકાર પાસેથી આદેશ મળ્યા બાદ 2 મેથી યુદ્ધના ધોરણે હોસ્પિટલનું કામ શરૂ થયું છે અને 15 કે 16 મે ના રોજ તૈયાર કરીને સરકારને સોંપી દેવામાં આવશે. કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા હોવાના કારણે સરકારે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો હતો.

આ હોસ્પિટલ સવા લાખ વર્ગ ફૂટ ક્ષેત્રફળમાં બનાવવામાં આવી છે. કમિશ્નર રાજીવ મુજબ જરૂર પડશે તો આ પ્રકાની વધુ એક હોસ્પિટલ બાજુના ખાલી પડેલા મેદાનમાં પણ બનાવવામાં આવશે.