મુંબઇઃ ઇન્ડિગોની મુંબઇથી દિલ્હી થઇને લખનઉ આવનારી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ શનિવારે તેને ઉડાણ ભરતી રોકી દેવામાં આવી હતી. જોકે બાદમાં આ સૂચના ખોટી નીકળી હતી. સૂત્રોએ જણાવ્યું કે, બોમ્બની ધમકીને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ત્યારબાદ વિમાનને એક ખાલી સ્થાનમાં લઇ જવામાં આવ્યું હતું. બાદમાં તપાસ બાદ સુરક્ષા એજન્સીઓએ વિમાનને સુરક્ષિત જાહેર કર્યું હતું.

વિમાનને સવાલે છ વાગ્યાને પાંચ મિનિટ પર ઉડાણ ભરવાની હતી. એરપોર્ટના એક સૂત્રએ જણાવ્યું કે, ગો એર ફ્લાઇટ જી8329માં દિલ્હી જઇ રહેલી એક મહિલા પ્રવાસી ઇન્ડિગોના ચેક-ઇન કાઉન્ટર પર ગઇ હતી અને તેણે જણાવ્યું કે ઇન્ડિગોની ફ્લાઇટ 6ઇ 3612માં બોમ્બ છે. ત્યારબાદ વિમાનને ચેક કરવામાં આવ્યું હતું. વિમાનમાં કાંઇ મળ્યું નહોતું. મહિલા સિંગાપોરની રહેવાસી છે. વિદેશી મહિલા સાથે મુંબઇના સાહર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોના મતે મહિલા પ્રવાસીએ કેટલાક લોકોની તસવીરો બતાવી અને દાવો કર્યો હતો કે આ લોકો દેશ માટે ખતરો છે.