નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  મળી છે. દિલ્હી પોલીસને એક ઇમેઇલ મારફતે અલકાયદાએ ધમકી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે IGI એરપોર્ટ પર અલ કાયદાના ચીફ તરફથી બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો છે. ઇમેઇલમાં એક કપલના નામથી ધમકી મળી છે કે જેમાં આગામી કેટલાક દિવસોમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરાઇ છે. બાદમાં તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.


એક રિપોર્ટ અનુસાર શનિવારે એક ઇમેઇલ આવ્યો હતો. આ ઇમેઇલના સબ્જેક્ટમાં લખવામાં આવ્યું હતું કે અલકાયદા સરગના તરફથી આઇજીઆઇ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટનું કાવતરું, આ ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું કે કરનબીર સૂરી ઉર્ફ મોહમ્મદ  જલાલ અને તેની પત્ની શૈલી શારદા ઉર્ફ હસીના  રવિવારે સિંગાપોરથી ભારત આવી રહ્યા છે અને તે એરપોર્ટ પર આગામી એક કે ત્રણ દિવસમાં બોમ્બ રાખવાનું કાવતરું કરી રહ્યા છે.


ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટના તમામ ટર્મિનલ પર એન્ટી સબોટાજ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના  મતે આ વર્ષે 21 માર્ચે પણ આ  પ્રકારનો એક ઇમેઇલ આવ્યો હતો જેમાં કરનબીર અને શૈલીને આઇએસઆઇએસના આતંકવાદી ગણાવ્યા હતા.


DIGએ જણાવ્યું કે તાજેતરમાં જ આ નામો અને ડિટેલ સાથે આવો જ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો, જેને બોમ્બ થ્રેટ એસસમેન્ટ કમિટીએ નોન સ્પેસિફિક ગણાવ્યો હતો. SOPના જણાવ્યા અનુસાર, સિક્યોરિટી ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરે તમામ સંબંધિત એજન્સીઓને આ અંગેની માહિતી આપી છે અને સ્ટાફને પણ અલર્ટ કર્યો છે.