ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની આગામી બેઠક મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. 2023 માં યોજાનારી આ વાર્ષિક બેઠકની યજમાની માટેના મતદાનમાં  ભારતને માન્ય 76 મતોમાંથી 75 મત મળ્યા. પ્રચંડ બહુમતી સાથે હોસ્ટિંગ અધિકારો જીત્યા બાદ  IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તેને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.


ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતાં નીતા અંબાણીએ  IOCની આગામી બેઠક ભારતમાં કરવા ભારપૂર્વક કહ્યું હતું.  તેમણે IOC સદસ્યોને જણાવ્યું,  'ભવિષ્યમાં યુથ ઓલિમ્પિક અને ઓલિમ્પિક રમતોને ભારતમાં લાવવાનું અમારું સપનું છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વના સૌથી યુવા દેશ ભારતના યુવાનો ઓલિમ્પિકની ભવ્યતા અને વિશાળતા અનુભવે. અમે આ ભાગીદારીને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.


IOC ની વાર્ષિક બેઠકની યજમાની મળવા પર ખુશી વ્યક્ત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે "ઓલિમ્પિક મૂવમેન્ટ 40 વર્ષની રાહ જોયા પછી ભારતમાં પાછી આવી રહી છે. હું 2023માં મુંબઈમાં IOC સત્રની યજમાનીનું સન્માન ભારતને સોંપવા માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનો આભાર વ્યક્ત કરુ છું.  આ ભારતીય રમતો માટે એક નવા યુગની શરૂઆત કરશે." નીતા અંબાણીએ ઓલિમ્પિક સત્ર 2023ના અવસર પર વંચિત સમાજના યુવાનો માટે વિશિષ્ટ રમત વિકાસ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.



ભારતીય પ્રતિનિધિમંડળમાં નીતા અંબાણી, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ ડૉ. નરિન્દર બત્રા, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા સામેલ હતા. બેઇજિંગમાં ચાલી રહેલા IOC વાર્ષિક સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળએ વર્ચ્યૂલી જોડાઈ આગામી મીટિંગની યજમાની કરવા માટે ભારતનો પક્ષ રાખ્યો હતો. 


ચાર દાયકા પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર યોજાશે. છેલ્લી ઇવેન્ટ 1983 માં યોજાઈ હતી. સત્રમાં IOC સભ્યો ઓલિમ્પિક ચાર્ટર અને ઓલિમ્પિકના યજમાન શહેરની પસંદગી  જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરે છે.


ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ ડૉ. નરિન્દર બત્રાએ એક નિવેદનમાં કહ્યું કે, "હું નીતા અંબાણીને તેમના વિઝન અને નેતૃત્વ માટે અને આપણા તમામ આઈઓસી સહયોગીઓને તેમના સમર્થન માટે આભાર માનું છું." આવતા વર્ષે મુંબઈમાં તમારી રાહ જોઈશ. આ ભારતની રમત માટે એક નવા યુગની શરૂઆત છે. અમે ઈચ્છીએ છીએ કે ઓલિમ્પિક મૂવમેન્ટ અમારી આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે. 2023માં મુંબઈમાં એક યાદગાર IOC સત્રનું આયોજન કરવું એ ભારતની નવી રમતગમતની ક્ષમતાને પ્રદર્શિત કરવાની દિશામાં પ્રથમ પગલું હશે.