નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડો રૂપિયાની લોન લઇને ભાગી ગયેલા મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. સીબીઆઇની માંગ પર ઇન્ટરપોલે આ નોટિસ જાહેર કરી છે. નોંધનીય છે કે ચોક્સીએ એન્ટીગુઆ સરકારના કોમનવેલ્થ એગ્રીમેન્ટ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ એગ્રીમેન્ટ હેઠળ ભારત અને એન્ટીગુઆમાં પ્રત્યાર્પણ સંધિન હોવા છતાં ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.


ભારત સાથે 2001માં એન્ટીગુઆના મંત્રીએ આ કરાર કર્યો હતો. તેને કોમનવેલ્થ કંન્ટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડરનું નામ આપવામાં આવ્યું હતું. આ બાબતે સ્થાનિક સરકારને પક્ષકાર બનાવીને ચોક્સી તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે. મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની તાજેતરમાં જ કોલકત્તા એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી. કુલકર્ણી હોંગકોંગથી ભારત આવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. દીપક જ હોંગકોંગમાં મેહુલ ચોક્સીનો બિઝનેસ સંભાળતો હતો. એટલે સુધી કે કુલકર્ણી મેહુલ ટોક્સીની કોઇ નકલી કંપનીનો ડિરેક્ટર પણ હતો. સીબીઆઇ અને ઇડી તરફથી દીપક વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી ત્યારથી તેની શોધ ચાલી રહી હતી.