નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમ હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. ચિદંબરની ધરપકડને લઈને હવે અહેવાલ આવી રહ્યા છે કે શું કાયદાકીય અને સીબીઆઈના દાવપેચમાં ફસાઈ જશે ચિદંબરમ? સ્થિતિ તો એવી છે કે ચિદંબરમ શુક્રવારે સાંજે જ તિહાડ જેલ પહોંચી જશે. બીજી બાજુ ગભરાયેલ ચિદંબરમના દિગ્ગજ વકીલોએ તો ચિદંબરમને સોમવાર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રાખવાની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી છે.

અહિં સવાલ એ છે કે 3 દિવસ બાદ એવું તે શું થયું કે કપિલ સિબ્બલ ભારપૂર્વક કોર્ટને કહી રહ્યા છે કે, ચિદમ્બરમને ચાર દિવસ વધુ સીબીઆઇ કસ્ટડીમાં જ રાખવામાં આવે. આ માટે પણ અમે રાજી છીએ. જો કે આ દલીલ અને અપીલ પર સીબીઆઇ અને ઇડીનાં વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ રાજીપો વ્યક્ત કરવો જોઇએ, તેનાં બદલે તેઓ અકળાઇ ગયા હતાં.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સીબીઆઇ ચિદમ્બરમની કસ્ટડી વધારવાની માગ પર ભાર નહિં આપે. જેનું પરિણામ એ આવશે કે ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવશે.

5 સપ્ટેમ્બરે સીબીઆઇ સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ નક્કી કરશે કે ઇન્દ્રાણી મુખરજી તેમજ અન્ય સાક્ષીઓ સામે ચિદમ્બરમનો આમનો-સામનો કરાવવા માટે ફરી કસ્ટડીની માગ કરવી કે કેમ? આ દરમિયાન ઇડીનાં પગલા પણ સુપ્રિમ કોર્ટનાં મૂડ પર નિર્ભર કરે છે. કારણ કે પાંચ તારીખ સુધી તો સુપ્રિમ કોર્ટે ઇડીને રોકી રાખી છે.