કોર્ટમાં બોલતા પી. ચિદંબરમે કહ્યું હતું કે, મને મારા અને મારા દીકરાના બેન્ક એકાઉન્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. મારું વિદેશમાં કોઇ બેન્ક એકાઉન્ટ નથી. દીકરા કાર્તિના વિદેશમાં એકાઉન્ટ્સ છે. પૈસા અંગે તેને કોઇ સવાલ પૂછવામાં આવ્યો નથી. ચિદંબરમનું કહેવું છે કે તેમણે તમામ સવાલોના જવાબો આપ્યા છે. સાથે જ ચિદંબરમે કહ્યું કે તેમના પર લગાવાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે.
ચિદંબરમના વકીલ સિંઘવીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ટાંકીને કહ્યું હતું કે, રિમાન્ડ કેટલાક કિસ્સાઓમાં આપવામાં આવે છે. રિમાન્ડ વિશેષ સ્થિતિમાં આપવામાં આવે છે. આ મામલો પુરાવા સાથે છેડછાડનો નથી. સીબીઆઇએ પુરાવા સાથે ટેમ્પરિંગ કરવા, પુરાવાનો નાશ કરવાનો કોઇ ઉલ્લેખ નથી. ચિદંબરમ પર દલીલ આપતા સિંઘવીએ કહ્યું કે, સીબીઆઇના 12 સવાલોમાંથી 6 સવાલ જૂના છે. આ મામલા પર તેમને પોતાનો પક્ષ રાખવાની મંજૂરી મળવી જોઇએ. તેમણે કહ્યું કે, આ આખા કેસમાં સીબીઆઇનું વલણ ખોટું છે.
તેમણે કહ્યું કે, FIPBના છ આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ નથી કરાઇ. નિર્ણયને મંજૂરી આપનારાને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઇનો આ કેસ ઇન્દ્રાણી મુખર્જીના પુરાવા અને કેસ ડાયરી પર આધારિત છે. ચિદંબરમ મામલામાં આખી કોગ્રેસ તેમની સાથે જોવા મળી રહી છે. કોગ્રેસ નેતા મુકુલ વાસનિકે કહ્યું કે, આ બધુ રાજકીય કાવતરું છે. બદલાની ભાવનાથી ચિદંબરમ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.