નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા પી.ચિદંબરમની સીબીઆઇ કસ્ટડી ગુરુવાર સુધી વધારી દેવામાં આવી છે. જોકે, તેમને જેલમાં મોકલવામાં આવશે નહીં. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પી.ચિદંબરમને વચગાળાના રાહત આપતા નીચલી અદાલતમાં અપીલ કરવા કહ્યુ છે. સાથે આદેશ પણ આપ્યો છે કે તેમને તિહાડ જેલમાં મોકલવામાં  ના આવે અને જો ટ્રાયલ કોર્ટ તેમની જામીન અરજી ફગાવી દે છે તો તેમની સીબીઆઇ કસ્ટડી ગુરુવાર સુધી વધારી દેવામાં આવી છે.

કોર્ટે કહ્યું કે, તમે નીચલી અદાલતમાંથી વચગાળાના જામીન માટે અપીલ કરો. નીચલી અદાલત આજે જ તેના પર વિચાર કરે. જો નીચલી અદાલત વચગાળાની જામીન અરજી ફગાવી દે છે તો સીબીઆઇ કસ્ટડી વધારી દે. નોંધનીય છે કે 31 ઓગસ્ટના રોજ કોર્ટે તેમની સીબીઆઇ રિમાન્ડ ત્રણ દિવસ સુધી વધારી દીધા હતા. ત્યારબાદ ત્રણ સપ્ટેમ્બર સુધી તેમને સીબીઆઇ કસ્ટડીમાં મોકલ્યા હતા. આવતીકાલે સીબીઆઇ રિમાન્ડ ખત્મ થઇ રહ્યા છે. એવામાં  ચિદંબરમને ડર છે કે તેમને ઇડી દ્ધારા ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવશે. આ ધરપકડથી બચવા તેમણે સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી.


નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ 15મે 2017માં કેસ દાખલ કર્યો હતો. જેમાં  આરોપ લગાવ્યો હતો કે 2007માં નાણામંત્રી પી ચિદંબરમના કાર્યકાળમાં આઇએનએક્સ મીડિયા જૂનને વિદેશમાંથી 350 કરોડનું રોકાણ મેળવવા માટે એફઆઇપીબીની મંજૂરી આપવામાં અનિમિતતા કરવામાં આવી હતી. સીબીઆઇની એફઆઇઆર બાદ ઇડીએ પણ 2017માં મની લોન્ડ્રરિંગનો કેસ દાખલ કર્યો હતો.