નવી દિલ્હીઃ પાકિસ્તાના એફ-16ને તોડી પાડ્યા બાદ ફરીથી વિંગ કમાન્ડર અભિનંદન પોતાની લયમાં આવી ગયા છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન અભિનંદને 6 મહિના બાદ ફરીથી લડાકૂ વિમાન મિગ-21ને ઉડાડ્યુ હતુ. આ દરમિયાન અભિનંદનની સાથે એરફોર્સના એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પણ સાથે રહ્યા હતાં.


વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને આજે પઠાણકોટના એરબેઝ પરથી મિગ-21 ફાઇટર પ્લેન ઉડાડ્યુ હતુ. આ જ વર્ષે 27 ફેબ્રુઆરીએ અભિનંદને પાકિસ્તાની ફાઇટર પ્લેન એફ-16ને ભારતીય લડાકૂ વિમાન મિગ-21થી તોડી પાડ્યુ હતુ.




બાદમાં ભારતનો જવાન અભિનંદન પાકિસ્તાની સેનાના હાથમાં આવી ગયો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ અને જિનેવા સંધીના કારણે અભિનંદન ત્રણ દિવસમાં ભારત પરત ફર્યો હતો. અભિનંદનને વીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનામાંથી મુક્તિ બાદ અભિનંદનના અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, હવે તેને ફરીથી લડાકૂ વિમાન ઉડાડવાની મંજૂરી મળી ગઇ છે.