ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય નીતા અંબાણીએ 29 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરોનું સન્માન કર્યું હતું. નીતા અંબાણીના આમંત્રણ પર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા નીરજ ચોપરા, મનુ ભાકર, પીઆર શ્રીજેશ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, સુહાસ યથિરાજ સહિત લગભગ 140 એથ્લેટ્સ મુંબઈમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા. આ અવસર પર રમતવીરો ઉપરાંત કોચ અને રમત જગતની અન્ય અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી.
આ ઈવેન્ટને ‘યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ નામ આપવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા સ્ટાર્સ એક મંચ પર એકઠા થયા છે. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું, “આ સાંજ ખૂબ જ ખાસ છે. બધા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન એક પ્લેટફોર્મ પર છે. અમને બધાને તમારા પર ગર્વ છે. અમારા મનમાં તમારા માટે સન્માન છે. અમે ઈચ્છીએ છીએ કે 'યુનાઈટેડ વી ટ્રાયમ્ફ' એક આંદોલન બની જાય.
નીતા અંબાણીએ તમામ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં પોતાના ઘરે આ પાર્ટીનું આયોજન કર્યું છે. તેમણે પેરિસમાં ઈન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અંબાણી પરિવારના મુંબઈના ઘર એન્ટિલિયામાં રવિવારે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર ઘણા ખેલાડીઓ પહોંચ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક 2024 ભારત માટે શાનદાર રહ્યું. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે કુલ 29 મેડલ જીત્યા જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સામેલ છે.
ભારતે પેરાલિમ્પિકની છેલ્લી બે સીઝનમાં કુલ 48 મેડલ જીત્યા છે. અગાઉ 11 એડિશનમાં ભારતે માત્ર 12 મેડલ જીત્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના 84 પેરા એથ્લેટ્સે ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 112 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેણે એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, કુસ્તી, શૂટિંગ, હોકી, ટેબલ ટેનિસ, વેઈટ લિફ્ટિંગ અને ભાલા ફેંક જેવી રમતોમાં ભાગ લીધો હતો.
IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ પેરિસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ 2024 માટે ભારતીય ટુકડીના સભ્યોના સન્માનમાં આયોજન કર્યું હતું.નીતા અંબાણીએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે 'ઇન્ડિયા હાઉસ' પણ બનાવ્યું હતું. તે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને દેશના રમતવીરોનું સન્માન કરવા માટે બનાવવામાં આવ્યું હતું.