નવી દિલ્હીઃ ઇરાને ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવાને ફગાવતા કહ્યું કે , તેની મિસાઇલથી યુક્રેનનું વિમાન પડ્યું નથી. નોંધનીય છે કે કમાન્ડર કાસિમ સુલેમાનીને એર સ્ટ્રાઇકમાં માર્યા બાદ બદલાની કાર્યવાહી કરતા ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકન આર્મી બેઝને નિશાન બનાવતા મિસાઇલથી હુમલો કર્યો હતો. આ દરમિયાન યુક્રેનનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ વિમાન ઇરાનની મિસાઇલથી તૂટી પડ્યું હતું.


બીજી તરફ ઇરાનના નાગરિક ઉડ્ડયન મંત્રી અલી આબેદજાહેદે શુક્રવારે કહ્યું કે, તેમને પુરો વિશ્વાસ છે કે આ સપ્તાહમાં તેહરાન બહાર દુર્ઘટનાગ્રસ્ત થયેલું યુક્રેનનું વિમાન મિસાઇલની ઝપેટમાં આવ્યું નહોતું. આબેદજાહેદે પત્રકારોને કહ્યું કે, એક વાત નક્કી છે કે આ વિમાન મિસાઇલથી તૂટ્યું નહોતું. કેનેડા અને બ્રિટને દાવો કર્યો હતો કે ગુપ્ત જાણકારીઓ અનુસાર, યુક્રેનનું વિમાન ઇરાનની મિસાઇલથી તૂટ્યું છે.

આબેદજાહેદે કહ્યુ કે ડેટાની પુરતી તપાસ થયા વિના કોઇ પણ પ્રકારની ટિપ્પણી નિષ્ણાંતોનો મત નથી. વાસ્તવમાં બ્રિટન અને કેનેડાએ આરોપ લગાવ્યા હતા કે વિમાન ઇરાનની મિસાઇલથી તૂટ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કેટલાક વીડિયો સામે આવ્યા છે જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જ્યારે મિસાઇલ વિમાનને ટકરાઇ તે સમયનો છે.