IRDAI Change Health Insurance Rule: જો તમારા માતા-પિતા વૃદ્ધ છે અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તમે તેમના માટે સ્વાસ્થ્ય વીમા પૉલીસી લેવા માંગો છો, તો હવે તમારા માટે તે શક્ય બનશે. વાસ્તવમાં, વીમા નિયમનકાર IRDAI એ સ્વાસ્થ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને પૉલિસી ખરીદનારા લોકો માટે 65 વર્ષની વય મર્યાદા હટાવી દીધી છે. અગાઉ, ગ્રાહકો 65 વર્ષની ઉંમર સુધી જ નવી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકતા હતા.


હેલ્થ ઇન્શ્યૉરન્સને લઇને IRDAIની મોટી જાહેરાત 
પીટીઆઈના અહેવાલ મુજબ, આરોગ્ય વીમો ખરીદવા પરની મહત્તમ વય મર્યાદાને દૂર કરીને, IRDAI નો ઉદ્દેશ્ય વધુ સમાવિષ્ટ અને સુલભ આરોગ્યસંભાળ ઇકૉસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે, જે અણધાર્યા તબીબી ખર્ચાઓ સામે પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ નિયમ 1 એપ્રિલ, 2024 થી સ્વાસ્થ્ય વીમા પૉલિસી માટે લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈપણ વયની વ્યક્તિ નવી હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસી ખરીદી શકે છે.


વીમા કંપનીઓને આપવામા આવ્યા આ નિર્દેશ 
મહત્તમ વય મર્યાદા નાબૂદ કરતી વખતે, IRDAIએ એક પરિપત્રમાં કહ્યું છે કે તમામ વીમા કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે તમામ વય જૂથના લોકો માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો ઉપલબ્ધ છે. નિયમનકારે આરોગ્ય વીમા પ્રદાતાઓને વરિષ્ઠ નાગરિકોને અનુરૂપ વીમા પૉલિસી લાવવા અને તેમના દાવાઓ અને ફરિયાદોનો સામનો કરવા માટે સમર્પિત ચેનલો સેટ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.


કેન્સર-એઇડ્સ વાળા પણ લઇ શકશે ઇન્શ્યૉરન્સ 
તેના પરિપત્રમાં, IRDAIએ વીમા કંપનીઓને કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિ ધરાવતી વ્યક્તિઓને સ્વાસ્થ્ય વીમા પૉલિસી ઑફર કરવાનો આદેશ પણ આપ્યો છે. જેમાં કેન્સર, હાર્ટ અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈન્કાર કરવા પર પણ વીમા કંપનીઓને મનાઈ છે. પરિપત્ર અનુસાર, IRDAI એ સ્વાસ્થ્ય વીમાની રાહ જોવાની અવધિ પણ ઘટાડીને 48 મહિનાને બદલે 36 મહિના કરી દીધી છે.


વીમા નિયમનકારના પરિપત્રમાં જણાવાયું છે કે આયુષ સારવાર કવરેજ પર કોઈ મર્યાદા નથી. આયુર્વેદ, યોગ, નેચરૉપેથી, યુનાની, સિદ્ધ અને હૉમિયોપેથી જેવી પ્રણાલીઓ હેઠળની સારવાર કોઈપણ મર્યાદા વિના વીમાની રકમ સુધી આવરી લેવામાં આવશે. IRDAIએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ એ સુનિશ્ચિત કરશે કે તેઓ તમામ વય જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો અને સક્ષમ અધિકારી દ્વારા નિર્દિષ્ટ કોઈપણ અન્ય જૂથ માટે ખાસ કરીને ઉત્પાદનો ડિઝાઇન કરી શકે છે.