Israel Embassy: દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિતિ  ઈઝરાયેલ એમ્બેસીની પાછળ વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસને મંગળવારે (26 ડિસેમ્બર) સાંજે નવી દિલ્હી જિલ્લામાં સ્થિત ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ઈઝરાયેલ એમ્બેસી કોમ્પ્લેક્સની પાછળના 'બ્લાસ્ટ' સ્થળ પાસે ઈઝરાયેલના રાજદૂતને સંબોધિત એક પત્ર મળ્યો છે.


નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે કહ્યું કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે દૂતાવાસની નજીક સાંજે 5:10 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.




દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોલ સાંજે 5.47 વાગ્યે આવ્યો હતો અને તેને દિલ્હી પોલીસના પીસીઆર (પોલીસ કંટ્રોલ રૂમ)માંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. હાલમાં દિલ્હી પોલીસના ક્રાઈમ યુનિટની ટીમ અને ફોરેન્સિક ટીમ ઈઝરાયેલ એમ્બેસી પાસે તપાસ કરી રહી છે.



'કોઈ વિસ્ફોટકો મળ્યા નથી'


દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, “હાલ સુધી ઘટનાસ્થળેથી કંઈ મળ્યું નથી.” આ સાથે દિલ્હી પોલીસે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ વિસ્ફોટકો મળ્યા નથી પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.


એક પ્રત્યક્ષદર્શીના શબ્દોમાં ઘટના સ્થળ પર શુ થયું


ઇઝરાયેલ એમ્બેસી પાસે સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તૈનાત ગાર્ડ તેજુ છેત્રીએ જણાવ્યું કે સાંજના લગભગ પાંચ વાગ્યા હતા. ગેટની અંદર ફરજ પર હતા. અવાજ આવ્યો, જાણે ટાયર ફાટ્યું હોય એવું લાગ્યું. થોડીવાર માટે આમ તેમ જોયું. અંદર કશું જ નહોતું. પછી અમે બહાર જોયું અને ઝાડ પાસે ધુમાડો ઊડતો જોયો. અવાજ બહુ જ મોટો હતો. પોલીસે નિવેદનો લીધા છે.