નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ચેરમેન ડૉ. કે સિવને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભારત હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. આ યોજાના પર ઇસરો કામ કરી રહ્યું છે. આ ગગનયાન મિશનનો જ એક ભાગ છે. સિવને જણાવ્યું કે આપણે માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ બાદ ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે. તેથી પોતાનું સ્પેસ સ્ટેશનની જરૂર છે.


ડૉ. સિવને કહ્યું કે જો ગગનયાન મિશન નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે તો ભારત દુનિયાનો ચોથો એવો દેશ બનશે જે પોતાના દમ પર અંતરિક્ષમાં યાત્રીઓને સ્પેસમાં મોકલી શકશે. ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત ગત વર્ષે વડાપ્રધાન મોદીએ પણ કરી હતી.


આ પહેલા ઇસરોના પ્રમુખ સિવાને કહ્યું હતું કે ભારત ડિસેમ્બર 2021 સુધી ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલશે. જેના માટે ગગનયાન પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયુ છે. અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન એટલા માટે બનાવવામાં આવે છે કે વૈજ્ઞાનિકો લાંબા સુધી અંતરિક્ષમાં કામ કરી શકે. ઉલ્લેખનીય છે કે ઈસરો 15 જુલાઈએ અંતરિક્ષમાં ચંદ્રયાન -2 લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચિંગ બાદ ઉપગ્રહ ચંદ્રયાન -2 અનેક સપ્તાહ લાગશે. ત્યાર બાદ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.