નવી દિલ્હીઃએરફોર્સની સર્ચ ટીમ ગુરુવારે સવારે AN-32ની ક્રેશ સાઇટ પર પહોંચી ગઇ છે. અહીં વિમાનમાં સવાર એક પણ મુસાફર જીવિત મળ્યો નહોતો. આ અંગે સૈન્યએ વિમાનમાં સવાર તમામ 13 મુસાફરોના પરિવારને સૂચના આપી દીધી છે. એરફોર્સે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે 3 જૂનના રોજ આસામના જોરહાટથી AN-32એ ઉડાણ ભરી હતી અને 11 જૂનના રોજ અરુણાચલપ્રદેશના ટેટો વિસ્તારમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. ત્યારબાદથી ક્રેશ સાઇટ પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ખરાબ હવામાનને પગલે સર્ચ ટીમ પહોંચી શકી નહોતી.


15 પર્વતારોહીઓ એમઆઇ-17s અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરથી લિફ્ટ કરીને ક્રેશ સાઇટ પર પહોંચ્યા હતા. મૃતકોમાં જીએમ ચાર્લ્, એચ વિનોદ, આર. થાપા, એ તંવર, એસ મોહંતી, એમકે ગર્ગ, કેકે મિશ્રા, અનૂપ કુમાર, શેરિન, એસકે સિંહ, પંકજ, પુતાલી અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જોરહાટથી ચીન સરહદ પાસે અરુણાચલના મેંચુકા માટે ઉડાણ ભરનારા એરફોર્સના એએન-32 વિમાન 3 જૂન બપોરે એક વાગ્યે ગુમ થયું હતું.