નવી દિલ્લીઃ  ઇસરો ભારત માટે વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઇ રહ્યું છે. વર્ષ 2017ની શરૂઆતમાં ઇસરો એક જ રોકેટથી 83 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.  15 જાન્યુઆરીએ ઇસરો એક જ રોકેટથી 83 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. આ સેટેલાઇટ્સમાં ત્રણ ભારતીય અને 60 અમેરિકન અને 20 યુરોપના હશે.


હાલમાં એક સાથે સૌથી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાનો  રેકોર્ડ રશિયાના નામે છે. રશિયાએ 19  જૂન, 2014ના રોજ એક સાથે 37 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. અમેરિકાએ નવેમ્બર 2013માં 29 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. આ અગાઉ આ વર્ષની જૂનમાં ભારતે એક સાથે 20 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા.

આ અભિયાન માટે ઇસરોએ પોતાના સૌથી બેસ્ટ રોકેટ પીએસએલવીના એક્સએલ સંસ્કરણનો ઉપયોગ કરશે. ઇસરોના રાકેશ શશિભૂષણના જણાવ્યા પ્રમાણે વર્ષ-ર૦૧૭ના પ્રથમ ભાગમાં એક જ રોકેટથી ૮૩ સેટેલાઇટ લોન્ચ કરાશે. જેમાં મોટાભાગના વિદેશી સેટેલાઇટ નેનો સેટેલાઇટ હશે. આ બધા એક જ કક્ષામાં સ્થાપિત કરાશે. તેમણે કહ્યુ હતુ કે, વિવિધ વિદેશી સેટેલાઇટના લોન્ચિંગ થકી એન્ટ્રીકસ પ૦૦ કરોડ રૂપિયા કમાઇ ચુકેલ છે. પ૦૦ કરોડ રૂપિયાના હવે પછીના લોન્ચ ઓર્ડરની વાતચીત થઇ રહી છે. તેમણે કહ્યુ હતુ કે, પીએસએલવી એકસેલ કુલ ૧૬૦૦ કિલો વજન અંતરીક્ષમાં લઇને જશે.