ઇસરો (ISRO) 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈએ ભ્રમણકક્ષામાં ફરશે. પહેલા આપણે જાણીએ કે આ ઐતિહાસિક કેમ છે?






SSLV-D3 રોકેટ શું છે?


SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને D3 એટલે ત્રીજી ડિમોનસ્ટ્રેશન ફ્લાઇટ. આ રોકેટનો ઉપયોગ મિની, માઈક્રો અને નેનો સેટેલાઈટ લોન્ચ કરવા માટે કરવામાં આવશે. જો આ પ્રક્ષેપણ સફળ રહેશે તો ISRO તેને દેશનું ત્રીજું સૌથી શાનદાર રોકેટ જાહેર કરશે.


આની મદદથી 500 કિગ્રા વજનના ઉપગ્રહોને 500 કિમીની નીચે પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલી શકાય છે અથવા 300 કિગ્રા વજનવાળા ઉપગ્રહોને સન સિક્રોનસ ઓર્બિટમાં મોકલી શકાય છે. આ ભ્રમણકક્ષાની ઊંચાઈ 500 કિલોમીટરથી વધુ છે. આ લોન્ચિંગમાં તે 475 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચશે. ત્યાં પહોંચ્યા બાદ તે સેટેલાઇટ છોડી દેશે.


SSLV રોકેટની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. SSLVનું વજન 120 ટન છે. SSLV 500 કિમીના અંતરે 10 થી 500 કિગ્રાના પેલોડ પહોંચાડી શકે છે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર થઇ જાય છે. SSLV શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચ કરવામાં આવ્યું છે.


EOS-8 સેટેલાઇટ એટલે કે આફતોનું એલર્ટ મળશે


અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે EOS-8 પર્યાવરણીય દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન અને તકનીકી પ્રદર્શન માટે કામ કરશે. 175.5 કિગ્રા વજન ધરાવતા આ ઉપગ્રહમાં ત્રણ અત્યાધુનિક પેલોડ છે - ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેકમેટ્રી પેલોડ (GNSS-R) અને SiC UV ડોસીમીટર. આમાં EOIR દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરંગ ઇન્ફ્રારેડ ફોટોગ્રાફ્સ લેશે.


પૃથ્વીને કુદરતી આફતોથી બચાવશે


આ તસવીરો આપત્તિઓ વિશે માહિતી આપશે. જેમ કે જંગલમાં આગ,  જ્વાળામુખીની ગતિવિધિઓ. GNSS-R દ્વારા દરિયાની સપાટી પરના પવનનું વિશ્લેષણ કરવામાં આવશે. જમીનની ભેજ અને પૂરને શોધી કાઢવામાં આવશે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું પરીક્ષણ SiC UV ડોસીમીટર વડે કરવામાં આવશે. જે ગગનયાન મિશનમાં મદદ કરશે.


કોમ્યુનિકેશન અને પોઝિશનિંગમાં મદદ કરશે


EOS-8 ઉપગ્રહ પૃથ્વીની ઉપર નીચેની ભ્રમણકક્ષામાં એટલે કે 475 કિલોમીટરની ઊંચાઈએ ફરશે. અહીંથી આ સેટેલાઇટ અન્ય ઘણી ટેક્નિકલ મદદ પણ આપશે. ઇન્ટીગ્રેટેડ એવિઓનિક્સ સિસ્ટમ. તેની અંદર કોમ્યુનિકેશન, બેઝબેન્ડ, સ્ટોરેજ એન્ડ પોઝિશનિંગ (CBSP) પેકેજ છે. એટલે કે એક યુનિટ અનેક પ્રકારના કામ કરી શકે છે. તેમાં 400 જીબી ડેટા સ્ટોરેજની ક્ષમતા છે.


આ રોકેટ પીએસએલવી કરતાં પાંચ-છ ગણું સસ્તું છે


આંતરરાષ્ટ્રીય સ્તરે નાના ઉપગ્રહો મોટી માત્રામાં આવી રહ્યા છે. તેમના લોન્ચિંગનું માર્કેટ વધી રહ્યું છે. એટલા માટે ઈસરોએ આ રોકેટ બનાવ્યું છે. એક SSLV રોકેટની કિંમત 30 કરોડ રૂપિયા હશે. જ્યારે PSLV પર તે 130 થી 200 કરોડ રૂપિયા આવે છે.