નવી દિલ્હી:  સમગ્ર દેશમાં મેઘરાજા વિરામ બાદ ફરી  એન્ટ્રી કરી શકે છે. IMDએ દેશમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દેશના અલગ-અલગ વિસ્તારો માટે વરસાદની શક્યતાને લઈ જાણકારી આપી છે. હવામાન વિભાગ દ્વારા આજે ​​અને આવતીકાલે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સિક્કિમ, સબ હિમાલયન અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. 


આગામી ચાર દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે


હવામાન વિભાગે વધુ અપડેટ આપતાં જણાવ્યુ કે, આગામી ચાર દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.  16 ઓગસ્ટથી પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશામાં 15 અને 16 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. ઝારખંડમાં 16 ઓગસ્ટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બિહારમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.  14 થી 16 ઓગસ્ટ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદની સંભાવના છે.




હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવાર-મંગળવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સોમવારે શહેરમાં વાદળછાયું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.  જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એક કે બે જગ્યાએ ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે.


દિલ્હીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી


દેશમાં મંગળવારે સ્વતંત્રતા દિવસના દિવસે દિલ્હીમાં સાંજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાની પણ સંભાવના છે, જો સવારથી વરસાદ પડશે તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ખલેલ પડી શકે છે. બીજીબાજુ રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે છે. લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ભેજયુક્ત વાતાવરણ રહ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 57 થી 74 ટકાની વચ્ચે નોંધાયું હતું.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial