ભોપાલઃ મધ્યપ્રદેશના દમોહમાં જૈનતીર્થ બેલાગ્રામમાં રહેતા સુધ્ધાંત સાગર નામના જૈન મુનિએ 25 વર્ષનું સાધુ જીવન છોડીને ગૃહસ્થ જીવન અપનાવતાં ચકચાર મચી છે. આશ્રમમાં છ દિવસ પહેલાં જ આવેલી પ્રજ્ઞા નામની યુવતી સાથે મુનિને સંબંધો હોવાના આક્ષેપ થતાં મુનિએ સાધુ જીવન ત્યાગીને આ યુવતી સાથે જ રહેવાનો નિર્ણય કર્યો છે. સુધ્ધાંત સાગર અને પ્રજ્ઞા વચ્ચે સંબંધ હોવાની શંકાને આધારે બીજા મુનિઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેના કારણે બંનેએ સાથે જ રહેવાનું નક્કી કરી લીધું.


સુધ્ધાંત સાગરનો આરોપ છે કે, પ્રજ્ઞા સાથેના તેમને સંબંધો અંગે ગંદી વાતો કરાતી હતી. આશ્રમના લોકોએ તેમને માર મારીને તેમની પિછવાઈ અને કમંડળ ઝૂંટવી લીધા હતા. જીવ બચાવવા માટે મુનિ પ્રજ્ઞાની સાથે પોલીસ સ્ટેશન ગયા હતાઅને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી દીધી.


બીજી તરફ આશ્રમના લોકોએ તેમની સાથે કોઈ પણ પ્રકારની મારામારી કરી ન હોવાનું જણાવ્યું છે. મુનિ પ્રજ્ઞા મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાની છે. તેમણે પણ આક્ષેપ મૂક્યો છે કે, તેઓ લગભગ એક સપ્તાહથી જ આશ્રમમાં છે. આશ્રમમાં કેટલીક માતા અને કેટલીક સેવક મહિલાઓ તેમનું શોષણ કરતી હતી અને  ખાવાનું આપતી ન હતી. તેના પર મુનિ સાગર  સાથે ખોટાં સંબંધનો આરોપ મૂકાયો હતો પણ બંને વચ્ચે કોઈ ખરાબ સંબધ નહોતા, માત્ર ફોન પર તે મુનિ મહારાજ સાથે વાત કરતી હતી. જો કે આશ્રમવાસીઓનું કહેવું છે કે, બંને વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી સંબંધો છે.


આ ઘટના અંગે એએસપી શિવકુમાર સિંહે જણાવ્યું કે,  રાત્રે સુદ્ધાંત સાગર પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો પણ કોઈ પોલીસ કાર્યવાહી કે રિપોર્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. અલબત્ત તેમણે આ બધી વાત લખીને પણ આપી છે અને એ પછી તે બાદ તેઓ ક્યાંક જતા રહ્યાં. બીજી બાજુ આશ્રમ તરફથી સિદ્ધાંત સાગરની બહેને કહ્યું કે,  મારામારીની કોઈ જ ઘટના થઈ નથી. એક મહિના પહેલાં જ સિદ્ધાંત સાગર શિખર અહીં આવ્યા હતા. બંને વચ્ચે સંદિગ્ધ પ્રવૃતિઓ ત્યાંથી જ શરૂ થઈ હતી. આવું લગભગ 3 વર્ષથી ચાલતું હતું.