આ મામલાની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી પ્રવીર રંજને આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દિલ્હીમાં થયેલી ફાયરિંગની ઘટનાની તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી પ્રવીર રંજનનો સોંપવામાં આવી છે. તેઓ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ ઘટનાને સાખી નહીં લેવાઈ. આ મામલે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત થઈ છે. દોષિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતને છોડવામાં નહીં આવે.
આશ્વર્યની વાત છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા છતાં યુવક ગન લઇને આવ્યો હતો અને ફાયરિંગ કરી દીધું હતું. યુવકે જાહેરમાં પોલીસની સામે જ ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે યુવકે ફાયરિંગ કર્યું પરંતુ પોલીસે કાંઇ કર્યું નથી. પ્રદર્શનકારીઓ તરફ યુવક આગળ વધી રહ્યો હતો આ દરમિયાન પોલીસ ફક્ત જોતી રહી હતી. ઘટના બાદ વિદ્યાર્થીઓમાં આક્રોશ છે અને તેમનું પ્રદર્શન પણ ચાલુ છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ છે અને પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
આ ઘટનાને લઈને વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યુ છે. કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપના જ મંત્રી ગોળી મારવા માટે ઉશ્કેરશે તો આ બધુ થઈ શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ કે તેઓ દિલ્હીને કેવી બનાવવા માંગે છે.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે જ્યારથી અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ભાજપ એક સુનિયોજિત કાવતરાથી હારના ડરથી માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પર સવાલ ઉઠાવતા સંજયસિંહે કહ્યું કે પોલીસ ત્યાં શું કરી રહી હતી. અમિત શાહે પોલીસના હાથ બાંધી દીધા છે.