નવી દિલ્હી: જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં 15 ડિસેમ્બર 2019ના રોજ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં દિલ્હી પોલીસ લાયબ્રેરી હોલમાં ઘૂસીને વાંચન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતી નજર આવી રહી છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, વિદ્યાર્થીઓ રીડિંગ હૉલમાં બેસીને અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન દિલ્હી પોલીસના જવાનો અંદર પ્રવેશે છે અને વિદ્યાર્થીઓ પર ડંડાવાળી કરે છે. પોલીસ સંપત્તિને નુકસાન પહોંચાડે છે. વિદ્યાર્થીઓ ત્યાંથી બચવા અને ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે પોલીસ તેમના પર લાઠી ચાર્જ કરે છે. જામિયા કોઓર્ડિનેશન કમિટી(JCC)એ ટ્વિટર પર આ ફૂટેજ જાહેર કર્યા છે.


દિલ્હી પોલીસે આ નવા ફૂટેજ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલો અગાઉથીજ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે અને વીડિયોની તપાસ ચાલી રહી છે.

આ ફૂટેજ પર કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે, ‘જુઓ કેવી રીતે દિલ્હી પોલીસ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર અંધાધુંધ મારપીટ કરી રહી છે. એક યુવક પુસ્તક દેખાડી રહ્યો છે છતાં પોલીસ તેના પર લાકડીઓ ચલાવી રહી છે. ગૃહમંત્રી અને દિલ્હી પોલીસના અધિકારીઓ ખોટું બોલ્યા છે કે તેમણે લાઈબ્રેરીમાં ઘૂસીને કોઈને માર્યા નથી.


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 15 ડિસેમ્બરના રોજ જામિયા પાસે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને સાર્વજનિક બસો અને ખાનગી વાહનો સળગાવ્યા હતા. તેના બાદ કાર્યવાહી કરતા પોલીસે યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.