જમ્મૂ-કશ્મીરના અવંતીપોરામાં આતંકીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકીઓએ મધરાત્રે જમ્મૂ-કશ્મીર પોલીસના SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આ હુમલામાં ફૈયાઝ અહમદ શહીદ થયા તો તેના પત્ની અને પુત્રીએ પણ વહેલી સવારે જીવ ગુમાવ્યો છે.
આ અંગે જમ્મૂ- કશ્મીર પોલીસે કહ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો અડધી રાત્રે SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને સીધુ જ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ફૈયાઝ અહમદના માથામાં ગોળી મારતા સ્થળ પર જ શહીદ થયા હતા. જ્યારે તેના પત્ની અને પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા છે.
હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બેથી ત્રણ આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરના જુદા- જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગરમાં બે જગ્યાઓએ બે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તેની હત્યા કરી દીધી હતી. મધ્ય કશ્મીર અને દક્ષિણ કશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓને DRF સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.