નવી દિલ્હી: પંજાબ સરકારે દારુની હોમ ડિલીવરી કરવાની મંજૂરી આપી દીધી છે. દારુની દુકાન પર ઉમટી રહેલી ભીડને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.


કર્ફ્યૂ અને કોવિડ-19 લોકડાઉન વચ્ચે સોશિયિલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન ન થાય તે માટે  પંજાબના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે દારુની હોમ ડિલવરી માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. 7 તારીખથી લોકો ઘર બેઠા પોતાની મનપસંદ બ્રાન્ડનો દારુ ઓર્ડર કરી શકશે. સત્તાવાર પાસવાળા જૂથના ફક્ત બે જ લોકોને દારુ હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

સરકારના દિશાનિર્દેશ અનુસાર, એક ઘરમા બે લિટરથી વધુ દારુ ડિલિવરી કરવામાં આવશે નહીં. ડિલિવરી કરનાર વ્યક્તિને વિભાગ દ્વારા અધિકૃત વાહન પર જવાનો પ્રતિબંધ છે.
દારુની દુકાન 7 મેથી સવારે 9 થી 1 વાગ્યે જ ખુલશે, તે દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઓર્ડર કરી શકે છે. બોપરે 1 વાગ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવામાં આવશે.

આ સિવાય, દારુની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને પાંચથી વધુ લોકોએ દુકાનોની બહાર ભેગા થવા પર પ્રતિબંધ છે. દુકાનને સેનેટાઈઝ કરવાની રહેશે, અને તેને માત્ર ત્યારે જ ખોલાની પરવાનગી રહેશે જ્યારે તે ક્ષેત્રના જિલ્લા પ્રશાસન દ્વારા છૂટ આપવામાં આવી હોય.