નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે સર્વદલીય બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી છે તેમજ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમર અબ્દુલાને નજરકેદ કર્યા છે. એટલું જ નહીં કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીરમાં સ્થિત તમામ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી લેવામાં આવનારી તમામ પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઇઝરી બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. રવિવારે રાતે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શ્રીનગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથોસાથ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્કીએ દાવો કર્યો છે કે એમને એમના જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે.


આ સંજોગોમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, કેબલ ટીવી પણ બંધ કરી દેવામાં આવી છે. કોઇ પણ નેતાને રેલી કાઢવાની પણ મંજૂરી નથી. નેતાઓ પર કરાયેલ કડકાઇ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ બધુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં જમ્મુમાં તમામ સ્કૂલ કોલેજની સાથોસાથ કેટલીક ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે તથા તમામ પર્યટકોને જમ્મુ કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હોટેલમાં ચૂસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.