શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ઉરી બાદ પુલવામાં સેના પર મોટો આતંકવાદી હુમલો થયો છે.  ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર 39 જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આંતકીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં 35થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.




આ સાથે જ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાટીમાં લાંબા સમય બાદ આંતકીઓએ આઈઈડી બ્લાસ્ટ દ્વારા સેના પર મોટા હુમલાને અંજામ આપ્યો છે. ઉરી બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે. ઉરી હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.



સીઆરપીએફના સૂત્રો અનુસાર રોડ પર એક ફોર વ્હિલરમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઈવે પર ઉભી હતી. સેનાનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે જ તે હાઈવે પર ઉભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન સેના ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં જે ફિદાયીન ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં 200 કિલોથી વધુનો વિસ્ફોટક ભરેલો હતો.

આ કાફલામાં CRPFની ત્રણ બટાલિયન એક સાથે જઇ રહી હતી ત્યારે 3 વાગીને 37 મિનિટ પર આ બ્લાસ્ટ થયો. સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન પર આ હુમલો થયો છે. આ કાફલામાં લગબગ 2500 જવાનો જઇ રહ્યા હતા.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, હુ સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાથી ખૂબજ દુખી છું. અમારા શહીદ જવાનોના પરિવારો પ્રતિ સંવેદના પ્રગટ કરું છું. ઘાયલ જવાનો જલ્દી જ સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

આ આતંકી હુમલા બાદ મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સીઆરપીએફના જવાન શહીદ થયા છે અને આ હુમલાની નિંદા કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું આશા કરું છું કે ખૂન-ખરાબા બંધ કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ સાથે મળીને ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર સરકારે આતંકવાદના આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.