કોર્ટે ચુકાદામાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે તપાસનો પાવર રહેશે. બંને સરકારે એકબીજાના માન સન્મા અને સહયોગથી કામ કરવું પડશે. વિદ્યુત બોર્ડ, પબ્લિક પ્રૉસિક્યૂટર એપૉઇન્ટ કરવાની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે. વહીવટી સેવાઓ દિલ્હી સરકારની સત્તાની બહાર છે. આ મામલે ત્રણ જજોની બેંચ વધુ સુનાવણી કરશે. ટ્રાન્સફરના મુદ્દે જસ્ટીસ ભૂષણે જસ્ટીસ સીકરીના ચુકાદા સાથે અસહમતી દર્શાવી છે. ટ્રાન્સફરની સત્તા કેન્દ્રની કે દિલ્હી સરકારની તેનો મામલો અટવાયો છે.
ગત વર્ષે ચોથી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે દિલ્હી સરકાર વિરુદ્ધ એલજી (લેફ્ટિનન્ટ ગવર્નર) અધિકાર વિવાદમાં ફક્ત બંધારણીય જોગવાઈઓની વ્યાખ્યા કરી હતી. પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે કાયદો બનાવવો દિલ્હી સરકારનો અધિકાર છે. બંધારણીય ખંડપીઠમાં એ વાત પર સર્વસંમતિ હતી કે સાચી શક્તિ મંત્રીમંડળ પાસે છે અને ચૂંટાઈ આવેલી સરકારથી જ દિલ્હી ચાલશે.
કોર્ટે એ સમયે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા, પોલીસ અને જમીન છોડીને ઉપરાજ્યપાલ સ્વતંત્ર રીતે કામ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી અને તેમણે મંત્રીમંડળ મદદ અને સલાહથી કામ કરવાનું રહેશે.