શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે CRPFના એક ડેપ્યૂટી કમાન્ડેટ ઘાયલ થયા છે. અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે,અથડામણ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ બટમાલુના ફિરદૌસાબાદ વિસ્તારમાં મોડી રાતે આશરે અઢી વાગ્યે ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરું કર્યું હતું. તે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળ પર ગોળીબાર કર્યો હતો અને સેના પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં કૌનસર રિયાઝ નામની એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.