કટરાઃ જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો દેવી ભવનના આઠ પુજારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે અહીં કુલ 12 લોકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ ગઈ છે. એવામાં વૈષ્ણો દેવી યાત્રા શરૂ થશે કે કેમ તેને લઈને અટકળો ચાલી રહી છે.


વૈષ્ણો દેવીના ભવન પર મંગળવારે ત્રણ ભજન ગાયક અને એક જવાનને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ બુધવારે બે કથારી પુજારી અને છ અન્ય પુજારી પોઝિટિવ મળી આવ્યા. આ તમામને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

રોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે માતા વૈષ્ણો દેવીના દર્શન

16 ઓગસ્ટથી શરૂ થનાર વૈષ્ણો દેવી યાત્રા માટે રોજ 5000 યાત્રીઓને દર્શનની મંજૂરી હશે, જેમાં 500 યાત્રી રાજ્ય બહારના હોઈ શકે છે. ભીડ જમા ન થાય તેના માટે આ યાત્રીઓનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે. રાજ્ય બહારથી આવનારા યાત્રીઓ અને જમ્મુ કાશ્મીરમાં જાહેર રેડ ઝોનના પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત હશે અને આ ટેસ્ટ નેગેટિવ આવવા પર જ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.

આ યાત્રા દરમિયાન કોરોનાથી બચવા માટે જરૂરી તમામ પ્રોટોકોલ્સનું પાલન જરૂરી કરવામાં આવ્યું છે. જ્યારે સરકારે 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવાસ કરવાથી બચવની સલાહ આપવામાં આવી છે. આ ધાર્મિક સ્થલોમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે અને મૂર્તિઓને અડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.