નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર રાજ્યમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ફારુક અબ્દુલ્લાની અટકાયતનો સમયગાળો શનિવારે ત્રણ મહિના માટે વધારી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને હટાવી લેતા, તેનું વિભાજન કર્યું તે દિવસથી જ તે નજરકેદમાં છે. અબ્દુલ્લા તેમના ઉપકારાગારમાં પોતાના ઘરમાં રહેશે.

નેશનલ કૉંફ્રેન્સના નેતા પર પબ્લિક સેફ્ટી એક્ટ પહેલીવાર 17 સપ્ટેમ્બરે લગાવવામાં આવ્યો હતો. જેના થોડાક સમય બાદ એમડીએમકે નેતા વાઈકોની એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. અરજીમાં વાઈકોએ આરોપ લગાવ્યો હતો કે નેશનલ કૉંફ્રેન્સના નેતાને ગેરકાયદે અટકાયત કરી છે.


અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ કૉંફ્રેન્સના અધ્યક્ષ પર પીએસએના સરકારી આદેશ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો જે કોઈ પણ વ્યક્તિને સુનાવણી વગર ત્રણથી છ મહિના સુધી જેલમાં રાખવાની મંજૂરી આપે છે.