જમ્મૂ કશ્મીરના નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સર્વપક્ષીય બેઠક યોજોવાની છે. પ્રધાનમંત્રી આવાસ પર આજે બપોરે ત્રણ વાગ્યે આ બેઠક મળશે. આ બેઠક, એટલા માટે પણ અગત્યની છે કારણ કે, કલમ 370 હટ્યા બાદ પહેલી વાર કેંદ્ર સરકાર કાશ્મીરના નેતાઓ સાથે આમને સામને સંવાદ કરશે.


બેઠકમાં જમ્મૂ કશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ હાજર રહેશે. સાથે જ પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કશ્મીરના LG મનોજ સિંહા, NSA અજિત ડોભાલ, સેક્રેટરી પી.કે મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.


મહત્વ પૂર્ણ બેઠકને લઈ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ અપાયું છે. પીએમના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં કાશ્મીરના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા થશે.


તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ-કાશ્મીરના પક્ષો, નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.


આ બેઠક પહેલા મંગળવારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને થઈ. બેઠક બાદ ડો. ફારૂકે કહ્યુ કે, અમે ક્યારેય વાતચીત વિરુદ્ધ રહ્યાં નથી. દિલ્હીએ વાતચીતનો કોઈ એજન્ડા જણાવ્યો નથી, તેથી દરેક મુદ્દે વાત થશે. કાશ્મીર મુદ્દે અમારૂ સ્ટેન્ડ બધાને ખ્યાલ છે, પીએજીડીનો એજન્ડા પણ ખ્યાલ છે, તેના પર કોઈ સમજુતી થશે નહીં. આ સિવાય અમે બધા રાજકીય કેદીઓને છોડવા અને દેશની વિવિધ જેલમાં બંધ કાશ્મીરી કેદીઓને પરત જમ્મુ-કાશ્મીર જેલમાં સ્થાળાંતરિત કરવા પર ભાર આપીશું.


ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કુલ 16 નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ અપાયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦, 35A હટાવ્યા પછી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવાની આ કેન્દ્રની સૌથી મોટી પહેલ છે.