Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે ભારતીય સેનાના બે જવાન નદીમાં તણાઈ ગયા હોવાની ઘટના ઘટી છે, હવે આ ઘટનાની જાણકારી ખુદ અધિકારીઓએ આપી છે. નદીમાં તણાઇ ગયેલા જવાનોમાંથી એક સૈનિકની ઓળખ નાયબ સુબેદાર કુલદીપ સિંહ તરીકે થઈ છે, તો વળી, બીજા જવાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સેનાના 16 કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર અને જવાનોએ કુલદીપ સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 16 કૉર્પ્સના ટ્વીટર પર લખવામાં આવ્યુ છે કે, વ્હાઇટ નાઈટ કૉર્પ્સના કમાન્ડર અને તમામ રેન્ક નાયબ સુબેદાર કુલદીપ સિંહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે.


અચાનક આવેલા પુરમાં તણાયા - 
સમાચાર એજન્સી પીટીઆઈએ સૈન્ય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આ સૈનિકો પૂંચના સુરનકોટના પોષના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઇ ગયા હતા. શનિવારે સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્મી, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સની સંયુક્ત ટીમો આ બંનેને શોધખોળ રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. સેના અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. ભારે વરસાદના કારણે લોકોને નદીઓ/નાળાઓથી દૂર રહેવાની સલાહ આપતા પોલીસ વાહનો જિલ્લાના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે.




જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ - 
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં છલકાઇ ગયા છે, ખરાબ હવામાનને કારણે શનિવારે સતત બીજા દિવસે અમરનાથ યાત્રાને રોકવી પડી હતી. કોઈ તીર્થયાત્રીને ગુફા તરફ જવાની પરવાનગી નથી અપાઇ. રામબન જિલ્લામાં 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ટનલ પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. 




Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial